નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

– શૂન્ય પાલનપુરી

પડદો પડી ગયો

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા

દર સોમવારે વહેલી સવારે

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !

– કિરણકુમાર ચૌહાણ

તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

– આદિલ મન્સૂરી

તારો જ રથ હતો અને આ આંગળી હતી

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે
લોકો મળે નહીં અને બસ આબરૂ મળે
ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર
ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે

હું તું – હતા ને સામે તો સેના ઊભી હતી
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
તારો જ રથ હતો અને આ આંગળી હતી

– રઈશ મણિયાર

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે
જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે

લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું “જાગો રે” પ્રભાતિયે સાદ આવે

ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે

ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે

– દિલીપ આર. પટેલ
(ઓરેંજ, કેલિફોર્નીયા)

ચોતરફ માત્ર બેકરારી છે

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

– હર્ષવી પટેલ

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરી

સાવ અંગત એક સરનામું મળ્યું

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

છૂટી જવુઁ. – મોહમ્મદ અલી ભૈડુ,વફા,

હાથથી એ જામનુઁ છૂટીજવુઁ.
ને હ્રદયની સુરાહીનુઁ ફૂટી જવુઁ.

વાળ આંખો માઁ કોઈ આવી ગયો,
લાગણીના તારનુઁ તૂટી જવુઁ .

ત્રીશઁકુ થઇ મંઝિલ બધી તરફડી,
ધૈર્યની થોડી હવા નુઁ ખૂઁટી જવુઁ.

કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,
ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ.

પ્રેમનો હિમાળો ગરમાયો નહીઁ,
રૂપનુઁ સુરજ બની વરસી જવુઁ.

વેદનાની ચાન્દની વરસી પડી,
કંટકોનુ આભમા ખૂઁપી જવુઁ.

– મોહમ્મદ અલી ભૈડુ,વફા,