August 20, 2008 at 4:05 am (General)
Tags: bhajan, gujarati bhajan, gujarati kavya, Meera Bai
નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી … જોતી … નાગર
એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર… ભાર … નાગર
નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય… ખાય… નાગર
આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર… ચોર… નાગર
તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે’તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી … કહેતી … નાગર
તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે’ ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી … થોડી … નાગર
- મીરાં બાઇ
Comments
July 4, 2008 at 4:33 am (કવિતા)
Tags: gujarati kavita, gujarati kavya, nazir dekhaiya
ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે;
ગટગટાવે જાઉં છું આરામ છે.
નાશમાંથી થાય છે સર્જન નવું ;
મોત એ જીવનનું નામ છે.
તું નહીં માણી શકે દિલનું દરદ;
તારે ક્યાં આરંભ કે પરિણામ છે!
દ્વાર તારા હું તજીને જાઉં ક્યાં ?
મારે મન તો એ જ તીરથ ધામ છે.
આછું મલકી લઈ ગયા દિલના કરાર;
કેવું એનું સિધું સાદું કામ છે!
છેહ તો તારાથી દેવાશે નહીં;
ઠારનારા ! એ ન તારું કામ છે.
ખાકને ‘નાઝિર’ ન તરછોડો કદી;
જિંદગીનો એ જ તો અંજામ છે.
-નાઝિર દેખૈયા
Comments
June 23, 2008 at 4:20 am (કવિતા)
Tags: gujarati kavita, gujarati kavya, harshad trivedi, poem
પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.
-હર્ષદ ત્રિવેદી
Comments
May 27, 2008 at 4:47 am (કવિતા)
Tags: gujarati kavya, kavita, sundaram
બેન બેઠી ગોખમાં,
ચાંદો આવ્યો ચૉકમાં.
બેની લાવી પાથરણું,
ચાંદો લાવ્યો ચાંદરણું.
પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણાં પર પારણું.
ચાંદો બેઠો પારણે,
બેની બેઠી બારણે.
બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.
બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.
- સુન્દરમ્
Comments
May 26, 2008 at 4:17 am (કવિતા)
Tags: gujarati kavya, kavita, rajesh shukla
હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !
- રાજેન્દ્ર શુક્લ
Comments