September 29, 2008 at 4:57 pm (કવિતા)
Tags: dilip patel, gujarati kavita, kavitas, kavya, poem, poet
સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી
ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી
કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી
વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી.
“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી
લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી
વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી
મિડીયા પ્લેયરે ગુંજાયે “હરે કૃષ્ણા” મંત્ર માધુરી.
કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી
વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી
હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી
હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!
- દિલીપ આર. પટેલ ( ઓરેંજ, કેલિફોર્નીયા )
Comments
September 25, 2008 at 4:58 pm (કવિતા)
Tags: gujarati kavita, kavi, kavitas, poem, shayar, shayari
આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?
ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?
ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?
આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?
આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?
યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?
- યામિની ગૌરાંગ વ્યાસના
બહાર પડનાર પુસ્તકના કાવ્યોમાંથી
Comments
September 9, 2008 at 2:18 am (કવિતા)
Tags: gujarati poem, kavita, kavitas, mustak, nitin vadagama
એટલે તો વેલ પણ મોહી હશે
વાડ કાંટાથી પછી સોહી હશે
આ બધું નસમાં નદીમાં નાવમાં
જે વહે છે એ બધું લોહી હશે.
- નીતિન વડગામા
Comments
August 25, 2008 at 4:13 am (કવિતા)
Tags: gujarati kavita, poem, kavya, kavitas, ajay purohit
ફૂલોનું સરનામું
શોધવા
ડાયરીના પત્તાં
ઉથલાવ્યે જાઉં છું
ત્યાં જ
મળી આવ્યું
મરેલું પતંગિયું !!!
- અજય પુરોહિત
3 Comments
August 11, 2008 at 4:37 am (કવિતા)
Tags: adam takaravi, gujarati kavita, kavitas, poem, poet
ની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ
કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ
હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ
- અદમ ટંકારવી
Comments
July 15, 2008 at 2:55 am (કવિતા)
Tags: gujarati kavita, kavitas, kavya, krushna dave, poet
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…
- કૃષ્ણ દવે
Comments
July 14, 2008 at 4:19 am (કવિતા)
Tags: gujarati kavita, gujarati poet, kavitas, kavya, poem, shyamal munshi
શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.
કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.
મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.
ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.
-શ્યામલ મુનશી
Comments
July 10, 2008 at 4:12 am (કવિતા)
Tags: poems, sundaram, gujarati poem, gujarati poet, kavya, kavitas
એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?
વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?
કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?
-સુન્દરમ્
Comments
July 10, 2008 at 4:11 am (કવિતા)
Tags: Chandrakant Sheth, gujarati kavita, kavitas, kavya, poem
તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !
તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક - વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !
તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દેવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું !
તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહી આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું !
-ચંદ્રકાંત શેઠ
Comments
July 7, 2008 at 6:42 am (General)
Tags: buddhadev dasgupta, gujarati kavita, kavitas, kavya, poem
દુ:ખ અને સુખ હું તને એક વાઘની વાર્તા કહીશ. આ વાઘને આખી રાત તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.
હું તને એક નાગની કથા કહીશ. આ નાગને પ્રત્યેક પળે તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે અને તને એની કથા કહેવી છે કે આ એક એવો પ્રવાસ છે કે એ કયાંય પણ લઈ જાય અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.
હું તને એક મગરની વાર્તા કહીશ. આ મગર તને ઉપલા હોઠથી ખેંચશે અને અંદર ને અંદર ડૂબશે ઊંડા ઊંડા પાણીમાં ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં. આ બધી જીવનભરનાં સુખદુ:ખની વાતો કહેવી છે આંસુથી.
- બુદ્ધદેવ દાસગુપ્તા
Comments
« Previous entries