હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.

- શેખાદમ આબુવાલા

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા

તું એક ગુલાબી સપનું છે

તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.

-શેખાદમ આબુવાલા

ગાંધી

ગાંધી
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
 

- શેખાદમ આબુવાલા

થઈ ગઈ

આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા - પછી બાળ્યા - પછી દાટ્યા - પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ

- શેખાદમ આબુવાલા

મોંઘી પડી

પ્યારની રંગીન લત મોંઘી પડી, આગ સાથેની રમત મોંઘી પડી..
જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,એક આ દીલની લડલ મોંઘી પડી.
જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,બુધ્ધીની આ આવડત મોંઘી પડી.
બાગમાં આવો,રહો,પણ બે ઘડી,માળીની બસ આ શરત મોંઘી પડી.
પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,તારી કીમત ઓ જગત મોંઘી પડી…

- શેખાદમ આબુવાલા

તારી પાસે રામ છે

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

- શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

- શેખાદમ આબુવાલા

હું નયનનું નીર છું

હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું

ખેંચશો - હારી જશો
દ્રૌપદીનું ચીર છું

અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું

જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું

પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું

જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું

જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું

- શેખાદમ આબુવાલા

ખાળ તારી આંખડીના નીરને

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

- શેખાદમ આબુવાલા

« Previous entries