હું નથી આ પાર કે તે પારનો…

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

- અમૃત ‘ઘાયલ’

જ્યાં સુધી આ રેહશે દેહ…

જ્યાં સુધી આ રેહશે દેહ,
ત્યાં સુધી ખમવાના રેહ.

હસ્તી આંખલડીમાં નેહ,
એટલે તડકે તડકે મેહ.

આદર વિણ શું જાવું ગેહ ?
છો વરસે મોતીનાં મેહ.

અશ્રુ ઊનાં કેમ ન લાગે ?
હૈયામાં સળગે છે ચેહ.

છેતરપીંડી એ પણ કેવી ?
હાથ દે છે હૈયાને છેહ.

દ્રષ્ટિ શક્તિ,મન સંકુચિત,
છીછરા સ્નેહી, છીછરો સ્નેહ.

માનું છું હું ખેલદિલીમાં,
જોતો નથી હું હાર ફત્તેહ.

એમ દબાઇ જાય એ બીજા,
કાળ છો આપ મોતની શેહ.

એમ નહી પડે “ઘાયલ”
પડતાં પડતાં પડશે દેહ.

- અમૃત ‘ઘાયલ’

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

-હરીન્દ્ર દવે

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે,
દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે.

- શૂન્ય પાલનપુરી “ખૈયામ”

હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.

- શેખાદમ આબુવાલા

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

- જવાહર બક્ષી

આપબળથી તું તરી જા તારો ભવસાગર

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

- સાગર સિદ્ધપુરી

બસ એટલું કે….

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ’

અહીંયા જ મારા પ્રણયની કબર છે

અહીંયા જ મારા પ્રણયની કબર છે
ખરું કહો તમે, આ તમારું જ ઘર છે?

તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો
એ મારા સમા માટે સાચી કદર છે

હ્રદય મારું માટીનું કૂંડું થયું છે
ફૂલો જેમ એમાં કોઈની નજર છે

સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે

મને મારું મન એમ આગળ કરે છે
કે મંઝિલની જાણે કે મુજને ખબર છે!

હવે કોંને પોતાના ગણવા કહી દો
અમારી જ સામે અમારું ભીતર છે

મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં
કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે.

- unknown

અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો

અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો,
પહાડોથી વધુ લાગી રહ્યો તો ભાર પીછાનો.

જગા એક્વેત પણ જોકે નથી આગણા માં રોકી પણ,
ગગન સમજે છે, શું હોઇ શકે વીસ્તાર ભાર પી ંછાનો.

પળેપળ નીડમાં અકળાતી એકલતા પુછી રહી છે,
અહીં ક્યારે ફફડશે મખમલી આકાર પીછાનો.

- Unknown

« Previous entries