શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર

ખુશી – ડૉ.વિવેક મનહર ટેલર

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.
 

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.
 

– ડૉ.વિવેક મનહર ટેલર

વસતો નથી

શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.

તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.

અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.

સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

-વિવેક મનહર ટેલર

છૂટ છે તને

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે,
યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– ડૉ. વિવેક મનહર ટેલર

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?

સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?
ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.

 

‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,
’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.

થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,
એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.

સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,
તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.

થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,
અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.

‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !
પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

ડૉ.વિવેક મનહર ટેલર

મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે

મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે,
પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

લૂંટાવું તારા હાથે, એ નિશ્ચિત હતું, ઓ કાબ !
છે હાથ, છે કળા ને ધનુષ-બાણ, સઘળું છે.

ચઢતાં જે થાક લાગ્યો, ઉતરતાં ન લાગ્યો એ,
સમજ્યો, આ દેહ શૂન્ય છે, ખેંચાણ સઘળું છે.

આગળ ખબર નથી અને પાછળ કશું નથી,
બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે.

શબ્દોને વાવ્યાં લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યાં,
મારા કવનમાં કંઈ નથી, ભેલાણ સઘળું છે.

ડૉ. વિવેક મનહર ટેલર

તું હરદમ હરજનમ મારી હતી

તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!

જવા દઉં આ જીવનમાંથી તને હું, વાત ખોટી છે,
તું ભર સામાન રોજેરોજ, હું ખાલી કરું કાયમ.

સમય થઈ શૂળ ભોંકાયા જ કરશે શ્વાસમાં મારા,
ખબર જો હોત, આવી ભૂલ કરતે ના કદી હમદમ.

દુઃખોને નામ-સરનામાં, ધરમ જાતિ નથી હોતાં,
છે સરખાં આર્તનાદો, આંસુના પણ સ્વાદ ચોગરદમ.

કરી ભૂલો જીવનમાં મેં તો એનું તું જ છે કારણ,
ખુદા બક્ષે ન ખુદ માફી, બનાવે એને તું વ્હાલમ્ !

ગઝલમાં તું અને બસ તું જ ઝલકે, રાઝ એનો શો?
જીવનના હોઠ ચૂમવામાં નડે શબ્દોને શું નાનમ ?

-વિવેક મનહર ટેલર

કવિ-પત્નીની ગઝલ

કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?

મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ દિલની નજદીક રાખે?

અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ
કશું છે જે આ રોમેરોમે દઝાડે.

વખાણોના કાંટે મને ભેરવીને
તું તારું જ ધાર્યું હંમેશા કરાવે.

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન,
શું માણસ ગણી તેં મને કોઈ કાળે ?

તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે –
આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે?

મળે લાશ મારી તો શું થાય, જો કોઈ
પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?!

આ કાગળ એ મારા સમયનું કફન છે,
મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.

– ડૉ.વિવેક મનહર ટેલર

એક વેશ્યાની ગઝલ

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

ડૉ. વિવેક મનહર ટેલર

ગઝલો વાંચજો

દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

-વિવેક મનહર ટેલર