ખૂબ   ક્ડવો    જિંદગીનો   જામ   છે;
ગટગટાવે   જાઉં  છું      આરામ  છે.

નાશમાંથી    થાય   છે  સર્જન  નવું ;
મોત   એ       જીવનનું    નામ   છે.

તું    નહીં  માણી  શકે  દિલનું   દરદ;
તારે  ક્યાં  આરંભ  કે    પરિણામ   છે!

દ્વાર  તારા    હું  તજીને   જાઉં   ક્યાં ?
મારે  મન તો એ  જ   તીરથ  ધામ છે.

આછું  મલકી લઈ  ગયા  દિલના કરાર;
કેવું   એનું  સિધું     સાદું  કામ     છે!

છેહ   તો      તારાથી   દેવાશે    નહીં;
ઠારનારા ! એ     ન  તારું   કામ   છે.

ખાકને ‘નાઝિર’ ન    તરછોડો    કદી;
જિંદગીનો     એ   જ  તો    અંજામ છે.

-નાઝિર દેખૈયા

7 thoughts on “ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે

  1. ખુલ્લી કિતાબ છું._ ડો.ફિરદૌસ દેખૈયા

    હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
    ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

    એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
    ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

    પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
    ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

    રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
    તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

    જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
    લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

  2. પ્રિય મિત્રો
    આજે ઈસુભાઈ ગઢવી ની એક સદાબહાર રચનાનો ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી..
    જો તમને ગમી હોય તો કંઠસ્થ કરી રાખશો.
    અહીં ભાવનગરમાં તો આ રાષ્ટ્રગીત જેટલું પ્રચલિત છેઃ

    આવો તો સાજણ ,છુંદણાનો મોર કરી રાખું
    જીવતરના વગડામાં આવી મળો જો તમે
    શબરીનાં બોર જેમ ચાખું
    છુંદણાનો મોર કરી રાખું
    આવો તો સાજણ ,સમદરની છોળ્ય જેમ ભળીએ
    આવો તો સાજણ ,અવની ને આભ જેમ મળીએ
    એકાદું વેણ-શેણ પાળવાનું હોય તો આયખાની હોડ બકી નાખું
    છુંદણાનો મોર કરી રાખું

    આવો તો સાજણ ,પૂનમનું પાનેતર ઓઢું
    આવો તો સાજણ ,ચંદરથી રૂપ કરુમ દોઢું
    વાવડીયા મોકલો જો આવવાની દશ્યુંના તો ઊગાડું અંગ-અંગ પાંખું
    છુંદણાનો મોર કરી રાખું

  3. ગાયબ છે અંદરનો માણસ
    જીવે તે અવસરનો માણસ

    મસ્તીમાં લડખડતી સાંજે
    ખોવાયો જંતરનો માણસ

    ઘટનાઘેલો પાને-પાને
    ઊગ છે મંઝરનો માણસ

    પરપોટાના પડ ઉખાડે
    પીઝા ને બર્ગરનો માણસ

    દાપાં માંગે ડગલે-ડગલે
    સાલ્લો આ દફતરનો માણસ

    ——————સલીમ શેખ્(સાલસ)

  4. એક તાજા રચનાઃ(બે શેર)

    એના નામે સઘળાં મોટાં કામ કરું છું,બિસ્મિલ્લાહ ;
    વાઈઝ!તારી સામે બેસી જામ ભરું છું ,બિસ્મિલ્લાહ .

    એકલ સાંજે,બાદ નમાજે,જામ બનાવી ઊભો’તો;
    એ જ હિસાબે શાયર!તારું કામ કરું છું,બિસ્મિલ્લાહ.

    ————-ડૉ.ફિરદૌસ દેખૈયા

Leave a reply to dr firdosh sekhaiya જવાબ રદ કરો