બસ એટલું કે….

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ’

અહીંયા જ મારા પ્રણયની કબર છે

અહીંયા જ મારા પ્રણયની કબર છે
ખરું કહો તમે, આ તમારું જ ઘર છે?

તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો
એ મારા સમા માટે સાચી કદર છે

હ્રદય મારું માટીનું કૂંડું થયું છે
ફૂલો જેમ એમાં કોઈની નજર છે

સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે

મને મારું મન એમ આગળ કરે છે
કે મંઝિલની જાણે કે મુજને ખબર છે!

હવે કોંને પોતાના ગણવા કહી દો
અમારી જ સામે અમારું ભીતર છે

મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં
કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે.

– unknown

અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો

અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો,
પહાડોથી વધુ લાગી રહ્યો તો ભાર પીછાનો.

જગા એક્વેત પણ જોકે નથી આગણા માં રોકી પણ,
ગગન સમજે છે, શું હોઇ શકે વીસ્તાર ભાર પી ંછાનો.

પળેપળ નીડમાં અકળાતી એકલતા પુછી રહી છે,
અહીં ક્યારે ફફડશે મખમલી આકાર પીછાનો.

– Unknown

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

– વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

કેમ ભૂલી ગયા? દટાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
 

– અમૃત ‘ઘાયલ’

સાયબર સફરે

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી

ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી

એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી

વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.

 

વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી

ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી

કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી

વેબ પેજે અવરોધે  અહંકારી  ફાયરવૉલ  આકરી.

 

“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી

લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી

વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી

મિડીયા પ્લેયરે  ગુંજાયે  “હરે કૃષ્ણા” મંત્ર માધુરી.

 

કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી

વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી 

હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી

હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!  

 
– દિલીપ આર. પટેલ ( ઓરેંજ, કેલિફોર્નીયા )

બંધ પરબીડીયામાં મરણ મળે તમને

બંધ પરબીડીયામાં મરણ મળે તમને
બચી શકાય તો બચવાની પળ મળે તમને

ખજૂરી જેવડો છાંયો મળે અ સિક્કાની
બીજીય બાજુ છે કે રણ મળે તમને

તમારા કંઠમા પહેલાં તો એક છિદ્ર
પછી તરસ ને પછી હરણ મળે તમને

ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો અને
સમગ્ર શહેરનાં લોકો અભણ મળે તમને

-રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

સ્તબ્ધ આંખોમાં કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એમાંથી ક્યાં ક્યાં નીકળે

એ શું ક્બ્રસ્તાનનું કાવતરું છે
મુઠઠીઓ ખોલો તો મડદા નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

ર નીરંતર મેશમાં સબડે સતત
સુર્ય નીકળે તો કાળા નીકળે

-રમેશ પારેખ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

નાની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ
 
અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો
ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ

કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો  
બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ

ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ 

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ

– અદમ ટંકારવી

ક્યાં મળે?

આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

– યામિની ગૌરાંગ વ્યાસના
   બહાર પડનાર પુસ્તકના કાવ્યોમાંથી