જે સપનું ચાંદનીનું છે

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

– શેખાદમ આબુવાલા

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,
આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો,
જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

– આદિલ મન્સૂરી

હું તો માનું છું કે હું છું શાયર

હું તો માનું છું કે હું છું શાયર
કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર

સ્હેજ અડતાં જ શૉક લાગે છે
લાગણી હોય છે લાઈવવાયર

અર્થનો રોડ છે ખાબડખૂબડ
ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ
ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર

ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું
કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

– અદમ ટંકારવી

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

– ધાયલ

ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !

દુખી થવું તો અધિક્રુત હક છે મનુષ્યો નો,
ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !

દર્દ ભરી ક્ષણ શ્રેષ્ઠ્તમ હિસ્સો છે જીવન નો,
માત્ર સુખ થી લદાયેલા જીવનમાં એ ખુમારી નથી હોતી.

મજા હોય છે જેવી સંઘર્ષ ના સૂકા રોટલા માં ; પ્રભુ !
ધરી દેવાયેલા છપ્પન ભોગ માં એવી કરારી નથી હોતી .

માત્ર સુખ ની વાંછના ; નિશાની છે કાયરો ની,
બહાદુરો ને તો આવી બીમારી નથી હોતી !

દરરોજ માંગવુ ને મળી જાય ; એ સ્થિતિ જ મોત છે,
આવી પડેલુ જીવી લેવાની દશા , આટલી ગોઝારી નથી હોતી !

– ચિંતન પટેલ

વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે ત્રુષા

વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે ત્રુષા,
કઁઇ ઘૂઁટડા એ વેદના પીજાયછે ત્રુષા,

ત્રુષિત હ્રદયની આંખમાઁ છઁટ્કાયછે ત્રુષા.
રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે ત્રુષા.

એહો હરણનાઁ કઁઠમાઁ ,ચાતક તણી આંખે,
અંગાર થઇને બેઉ માઁ વેરાયછે ત્રુષા.

પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાઁ,
મોતી મહેકના શોધતી પડઘાયછે ત્રુષા,

આ વિરહ રાતે , મુજ ખૂનના કાંઠે વહી જઇને ,
હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે ત્રુષા.

વરસે સતત મેહૂલથઇ મારા’વફા’ દ્વારે,
બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાયછે ત્રુષા,

– મોહમ્મદ અલી ભૈડુ,વફા,

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા?

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ?
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા

– સતીષ ‘નકાબ’

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે

– કરસનદાસ લુહાર

સામાય ધસી જઇયે…

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

– રાજેન્દ્ર શુકલ

રમીએ – ગની દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

– ગની દહીંવાળા