ભગવાન ની વેદના

સદીઓ થી શેષ –શૈયા પર સુતેલો તું થાકી તો જતો હશે,
તને પણ અમારી જેમ જીવવાનો કદિ અભરખો તો થતો હશે,

દુ:ખો ની યે આદત પાડવાની અમારી આવડત(!) જોઇ,
પીડા વિહોણી તારી જીંદગી પર તને અફસોસ તો થતો હશે.

દૂધ નુ સપનુ ય જોતા ડરતા ગરીબો ને જોઈ ને,
સામે બળતા ઘી ના દીવા ભેગો તું પણ બળતો તો હશે !

મંદિર બહાર સૂકા રોટલા ને ય ટળવળતા બાળકો ભેગો,
તને ધરાવાયેલા છ્પ્પન ભોગો ને જોઇ ; તું ય ટળવળતો તો હશે .

સામે ની હાટ માં ભીંજાતા લાચાર નિર્દોષ બાળપણ ને જોઈ, તારા
શિખરબધ્ધ મંદિર ને સોના ના છત્તર નીચે તું પણ પલળતો તો હશે !

તારા જ નામે, તને છેતરી, માણસ ને માણસ સાથે લડાવતા,તારા
ધાર્મિકો (!) ને જોઇ; તું ”બેચ ફેઇલ” ગયા નો બળાપો તો કાઢતો હશે.

આવા સંવેદનાવિહીન ને બુઠ્ઠા અમારા હૈયાઓ જોઇને જ ,
કદાચ કળીયુગ માં જીવવાનો પ્રોગ્રામ તું માંડી વાળતો હશે !!

– ચિંતન પટેલ

જીવનપથ

દૂર મજલ છે, પથ વિકલ છે, સાથિ નથી કોઇ સાથમાં,
ઘર સુરક્ષિત, માર્ગ અનિશ્ચિત, ભરોસો છે માત્ર જાતમા,
હાર –જીત તું શીદને વિચારે? બસ, ચાલવું તારા હાથમાં !

નસીબ છે તારું, જીવન તારું, લોકો ક્યાંથી કળી શકે ,
પોતે નથી ચળી પણ શકતા, ગ્રહો તને ક્યાંથી નડી શકે.
શક્ય બદલવી તે રેખાઓ છે; જે અંકિત તારા હાથ માં!

કાને ન ધર તુ સ્તુતિ-નિંદા ને, ફેંક ઉખાડી વિટપ શંકા ને,
સૂણી લે પ્યારો આતમ ઇશારો, ફરી જશે તુજ જીવન કિનારો,
નાવ ભલે કરતાર ની હો, હલેસાં તારા હાથ માં !

અંતરે તુ ઇશને રાખ, મરતા-મરતા જીવતો નહી,
સ્વપ્ના જો, આકાંક્ષા રાખ , ભય થી છળી મરતો નહી,
સામે આખી દુનિયા આખી ભલે હો, જીત તારા હાથ માં !!!

– ચિંતન પટેલ

ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !

દુખી થવું તો અધિક્રુત હક છે મનુષ્યો નો,
ઇશ્વર ને આવી લક્ઝરી નથી હોતી !

દર્દ ભરી ક્ષણ શ્રેષ્ઠ્તમ હિસ્સો છે જીવન નો,
માત્ર સુખ થી લદાયેલા જીવનમાં એ ખુમારી નથી હોતી.

મજા હોય છે જેવી સંઘર્ષ ના સૂકા રોટલા માં ; પ્રભુ !
ધરી દેવાયેલા છપ્પન ભોગ માં એવી કરારી નથી હોતી .

માત્ર સુખ ની વાંછના ; નિશાની છે કાયરો ની,
બહાદુરો ને તો આવી બીમારી નથી હોતી !

દરરોજ માંગવુ ને મળી જાય ; એ સ્થિતિ જ મોત છે,
આવી પડેલુ જીવી લેવાની દશા , આટલી ગોઝારી નથી હોતી !

– ચિંતન પટેલ

લખી દે !!

ધીરી સી આંચે તો ન પરખાશે કાંચન
પથ પર અગન આજીવન તું લખી દે !!

શું કરું સનાતન ઘૂઘવાટ સાગર સમો ?
વહેવું, અથડાવું છ્તાં ખળખળ હસવું લખી દે !!

ગલહાર થઇ ચળકવું ન પોસાષે વર્ષો
તવ ચરણે મહેકવું દિવસભર નું લખી દે !!

શું થયું જો ઉર્ધ્વગમન નિત દીપશીખા નું ન હો,
પતન તો પતન ; પણ નદી સરીખુ લખી દે !!

ટુકડે ટુકડે જીવી તો ન નીકળશે જીંદગી,
રેતઘડી શું ક્ષણે ક્ષણ નું સાર્થક સરકવું લખી દે !!

– ચિંતન પટેલ