દર સોમવારે વહેલી સવારે

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !

– કિરણકુમાર ચૌહાણ

નથી રસ્તા સરળ કોઈ

નથી રસ્તા સરળ કોઈ,
કરે દિશાય છળ કોઈ !

સલામત ક્યાં છે જળ કોઈ ?
ટીપે ટીપે વમળ કોઈ !

જડે ક્યાં એનું તળ કોઈ ?
મળે માણસ અકળ કોઈ.

નજર એ કેમ આવે પણ ?
નજર આગળ પડળ કોઈ !

ઝીલો એકાદ પણ ‘સુધીર’,
ગઝલની ખાસ પળ કોઈ.

-સુધીર પટેલ

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોશી

વારાફરતે વારામાંથી નીકળવું છે

વારાફરતે વારામાંથી નીકળવું છે;
મારે આ જન્મારામાંથી નીકળવું છે;

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરના અંધારામાંથી નીકળવું છે.

– હરજીવન દાફડા (

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?

વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

– રમેશ પારેખ

આપ યાદ આપી જાવ છો…

આંખ ખોલી ને ક્યાંક નજર ફેરવીયે…
ઘર ની દરેક જગ્યા એ…
સુંદર સમણા મુકી જાવ છો…
આપ યાદ આપી જાવ છો….

બહાર નિકળતા…
રસ્તા ની એ બેઠક પર…
બેઠેલા દેખાઈ જાવ છો…
આપ યાદ આપી જાવ છો….

જમતા જમતા…
દરેક કોળીયા મા…
સ્પર્શ આપી જાવ છો…
આપ યાદ આપી જાવ છો…

ગામ ના પેલા ઉંચા પૂલ પર…
ક્યાક વચ્ચે…
ઉમંગ કરતા દેખાઈ જાવ છો…
આપ યાદ આપી જાવ છો…

વિચારુ છુ આજે…
કેમ ખુશ છુ આટલો ?…
એ ખુશી યાદ કરતા…
આપ યાદ આપી જાવ છો…

એકાંત મા અચાનક…
હસતા હસતા…
કોઇ કારણ પૂછતા…
આપ યાદ આપી જાવ છો…

જોઈ આઇના મા…
વિચારી એ જ્યારે…
તકદીર અમારી…
આપ યાદ આપી જાવ છો…

એક્લો છુ…
જરુર છે આપની…
આપ તો જાવ છો પણ…
આપની યાદ અપી જાવ છો…

આપ તો જાઓ છો…
આપ યાદ આપી જાવ છો…

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?
એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી
અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે , ” બહારથી. ” 

– Unkonwn poet

ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે

ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

હોઠ પ્યાલી લાખ ફૂલના આસવોનો અર્ક છે
ગાલ લાલી લાખ-ગુલ,સૌન્દર્યનો સંપર્ક છે.

નેહભીની હું નજર છું, તું નજરનું નૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

શ્વાસની સરગમ મહીં, એક મિલનની ધડકન ભરી
ઉરને આંગણ મન-મયૂરો નાચતા થનગન કરી

પ્રેમ-પથનો હું પ્રવાસી, તું ભૂમિ-અંકુર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

–  રવિ ઉપાધ્યાય