ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)

તેઓ એક પીંજરું લાવશે

તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

– અશોક વાજપેયી

વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે ત્રુષા

વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે ત્રુષા,
કઁઇ ઘૂઁટડા એ વેદના પીજાયછે ત્રુષા,

ત્રુષિત હ્રદયની આંખમાઁ છઁટ્કાયછે ત્રુષા.
રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે ત્રુષા.

એહો હરણનાઁ કઁઠમાઁ ,ચાતક તણી આંખે,
અંગાર થઇને બેઉ માઁ વેરાયછે ત્રુષા.

પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાઁ,
મોતી મહેકના શોધતી પડઘાયછે ત્રુષા,

આ વિરહ રાતે , મુજ ખૂનના કાંઠે વહી જઇને ,
હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે ત્રુષા.

વરસે સતત મેહૂલથઇ મારા’વફા’ દ્વારે,
બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાયછે ત્રુષા,

– મોહમ્મદ અલી ભૈડુ,વફા,

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

– જવાહર બક્ષી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

ઊભો છુઁ

કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ,
ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ.

ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની,
છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ,

જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ,
ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ઊગતા ચઁદ્ર ને જોઈ ને થાય છે ઢળતા સૂરજ નુ ગુમાન,
ચઁદ્ર આથમે અને ઊગે સૂરજ એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ચાલતા રસ્તા ને સમજી ને મઁઝીલ થઁભી ગયા પગલાઁ,
રસ્તાઓ ક્યારે મઁઝીલ બને એની રાહ જોઇ ને ઊભો છુઁ.

જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ,
એ હમસફર બને “મુસ્તાક” એની રાહ જોઇ ને ઊભો છુઁ.

– મુસ્તાક

આવી જઇશ હું

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું.

એકાંત જ્યારે સાલશે મારા અભાવનું,
કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું.

આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે,
સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું.

તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં,
કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.
 

– કૈલાસ પંડિત

ખરાબ છે

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

– મરીઝ

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.

-શ્યામલ મુનશી