ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

– કૈલાસ પંડિત

ચાંદનીની રાહ એ જોતું નથી

ચાંદનીની રાહ એ જોતું નથી
આંગણું એકાંતને રોતું નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી

– કૈલાસ પંડિત

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા?

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ?
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા

– સતીષ ‘નકાબ’

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે

– કરસનદાસ લુહાર

મુક્તકો

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

– આસિમ રાંદેરી

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

– અમૃત ઘાયલ

‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા

– મનહર મોદી

ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

– રાજેન્દ્ર શુક્લ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર

– બાલુભાઇ પટેલ 

from tahuka.com

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે ?

– વિનોદ ગાંધી

શેર અને મુક્તક

હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે,
લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે.

શબ્દ જેવી સરળતાથી હાથતાળી દઈ ગયો,
દોસ્ત એવી સહજતાથી હાથતાળી દઈ ગયો.

એક કિસ્સો સાચવી રાખ્યો હતો વર્ષો સુધી,
ટોચ ઉપર એ સફળતાથી હાથતાળી દઈ ગયો.

તેં મને જે પણ લખ્યા’તા એ બધા કાગળના સમ,
મેં તને ના મોકલ્યા જે એ બધા વાદળના સમ.

રાતભર જાગ્યા કરી’તી એ પથારી જેમ-તેમ
એક પણ જે ના પડ્યાને એ બધાએ સળના સમ

 
– ગુંજન ગાંધી

ઊભો છુઁ

કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ,
ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ.

ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની,
છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ,

જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ,
ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ઊગતા ચઁદ્ર ને જોઈ ને થાય છે ઢળતા સૂરજ નુ ગુમાન,
ચઁદ્ર આથમે અને ઊગે સૂરજ એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ચાલતા રસ્તા ને સમજી ને મઁઝીલ થઁભી ગયા પગલાઁ,
રસ્તાઓ ક્યારે મઁઝીલ બને એની રાહ જોઇ ને ઊભો છુઁ.

જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ,
એ હમસફર બને “મુસ્તાક” એની રાહ જોઇ ને ઊભો છુઁ.

– મુસ્તાક

એટલે

તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.

એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી –
આંખ આખી જિંદગી મીંચી નથી.

– યોગેશ જોષી