પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું,
દેહની આ દીવીમાં આમ જાત બાળું છું.

વ્યર્થ બધું ભુલાતું એ જ બળ બની જાતું,
ચોતરફ ભટકતું મન ભીતરે જ્યાં વાળું છું.

કોઈ વહે છે ખળખળ વીંટળાઈને હરપળ,
લોક એમ માને છે પાંપણો પલાળું છું.

શ્વાસ જે હતો ભીતર શબ્દ થઈ ગયો બાહર,
એક નરી ઝંઝાને લો ગઝલમાં ઢાળું છું.

જીત ના થતી મ્હારી છાપ નીકળતી ત્હારી,
શ્વાસ કોઈ સિક્કાની જેમ જ્યાં ઉછાળું છું.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

થઈ ગયો? – ‘મિસ્કીન’

સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,
દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.

ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,
તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.

એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,
પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.

શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,
એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.

મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?
લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’