શું છે ? – સુરેશ દલાલ

ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા… ઉઝરડા…

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા.

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

– સુરેશ દલાલ

કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું

કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.

-સુરેશ દલાલ

અનુભૂતિ

લીલ લપાઈને બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે !
કંપ્યું જળનું રેશમપોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજણી આ ભોમ.
લખ લખ હીર ઝળકે ભીના તૃણ તણી આંગળીએ !

-સુરેશ દલાલ