ના તને ખબર પડી, ના મને ખબર પડી

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી
શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી,
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.

હૈયુના રહ્યું હાથ ગયુ ઢાળમાં દળી,
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયુ મળી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી.

મારા વિના ઉદાસ છો એ જાણું છું પ્રીયે
મે પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મે સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઇ ગડી.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

– તુષાર શુક્લ

લ્યો અમે તો આ ચાલ્યા

શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને
મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે
મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે
ચાન્દની ને હળવેથી નામ એક આપીને
લ્યો અમે તો આ ચાલ્યા

જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુ
સાચવી ને રાખ્યુ તુ અશ્રુ એક સાર્યુ હતુ
ડાયરી ના પાનાની એ સફરને કાપીને
લ્યો અમે તો આ ચાલ્યા

ફૂલ ઉપર ઝાકળનુ બે ઘડી ઝળક્વાનુ
યાદ તોયે રહી જાતુ બેઉ ને આ મળવાનુ
અન્તરના અન્તરને એમ સહેજ માપી ને
લ્યો અમે તો આ ચાલ્યા

– તુષાર શુક્લ

ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની

ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની,
માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની.

તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.

ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.

કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.

દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની.

– તુષાર શુક્લ