gujaratikavita.com

વાચક મિત્રો,

https://gujaratikavita.wordpress.com” બ્લોગ ની સફળતા માટે બધા જ વાચકો નો ખુબ ખુબ ધન્યાવાદ્.

બ્લોગ ની સફળતા ને ધ્યાન મા રાખી ને ગુજરાતી કવિતા માટે (http://www.gujaratikavita.com) domain register કરાવ્યુ છે. wordpress.com નો બ્લોગ પણ એ domain પર shift કરવામ આવેલ છે.

હવે પછી ની બધી નવી કવીતાઓ નવા domain (http://www.gujaratikavita.com) મા પોસ્ટ કરાવામા આવશે. તો બધા વાચક મિત્રો ને Bookmark URL કે RSS Feed નુ URL બદલી (http://www.gujaratikavita.com) કરવા વીનંતી.

અને gujaratikavita.com માટે તમારા પ્રતિભાવ જણાવવા વિનંતી.

નવી blog site access કરવા માતે આહીયા click કરો.

અજર અમર પદ દાતા રામ

અજર અમર પદ દાતા રામ
ઢોલ ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદ
રાય દશરથ હરખ વધાવે,પ્રગટ ભયો કૌશલ્યા નંદ
અંતર ચેતના કરે આરતી, મંગલ સુમંગલ દિસે ચોદિશ
ધન્ય ધરાતલ પૂણ્ય ભૂમિ તું, રામ થઈને આવ્યા ઈશ

ગગન ગોખે ઘૂમતા ગરુડે,
રમતા સદા તમે અંતરિયાળ
ચૈત્ર સુદ નવમીએ થયા રામજી,
તો જાણ્યા કે કેવા હોય ભગવાન

ચૌદ લોકના નાથ વિધાતા
ઘૂમાવો વિશ્વ અવિરત દિનરાત
થયા શીશુ રામ,પણ ન ભૂલ્યા
માગ્યો રમવા બ્રહ્માંડનો ચાંદ

ગુરુ વિશ્વામિત્ર સંગ વને ચાલ્યા
હણ્યા આતતાયી એકલ હાથ
રઘુકુળ રીતિ સદા પ્રમાણી
અજર અમર પદ દાતા રામ

સ્વયંવરે કીધું શીવ ધનુષ્ય ભંગ
માત જાનકીના થયા ભરથાર
ત્યજ્યું રાજસુખ જગત કાજે
અર્પ્યું સુખ રામ રાજ્યનું સંસાર

રાજધર્મ રઘુકુળ વચન વ્યવહારે
નગર ત્યજી ચાલ્યા વનવાસ
કેવટ અહલ્યા ને માત શબરીના
ભાવે ભીંજાયા લક્ષમણ ભ્રાત

ધનુર્ધારી રઘુવીર ધર્મ ધુરંધર
હણ્યો દશાનન લંકા ધામ
મંગલ પર્વ દિપાવલી હરખે
જનજન સ્મરે જય સીતા રામ

રામ નામમાં સઘળાં તીરથ
ગાયે વાલ્મિકી રામનાં ગાન
રામ લખન જાનકીના નાથ્
પાજો સદા પ્રેરક અમૃત પાન

– રમેશ પટેલ(આકાશદીપ)

નવલે નોરતે

મા જગદંબાના ચરણમાં ભાવ વંદના સાથે, આવો ગરબો ઝીલીએ.

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે , ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

– રમેશ પટેલ ‘આકાશદીપ’

નવા યુગનો ચેલો છું

નવા યુગનો ચેલો છું

હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી,
લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..

ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..

જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..

છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..

એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..

મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.

– રમેશ પટેલ ‘આકાશદીપ’

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

– કૈલાસ પંડિત

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

અફસોસ નથી

પ્રયાસો થતાં જ રહ્યા
ને મળ્યું લાંબા અંતરનું એક દિલ.
પ્રેમના તાતણે એવા બંધાતા જ
રહ્યા કે કદી તૂટે નહીં.
મળતાં જ રહ્યા પળે-પળે
ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત.
‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો,
પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે
નફરત કરનારાઓ પણ ઘણા હોય છે.

– ‘ મયુર વસાવા, પેટલાદ
source: divyabhaskar.co.in

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?
સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.
પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?
એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.

– મેહુલ