હું તો માનું છું કે હું છું શાયર

હું તો માનું છું કે હું છું શાયર
કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર

સ્હેજ અડતાં જ શૉક લાગે છે
લાગણી હોય છે લાઈવવાયર

અર્થનો રોડ છે ખાબડખૂબડ
ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ
ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર

ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું
કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

– અદમ ટંકારવી

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

– અદમ ટંકારવી (ગુજલિશ ગઝલો માંથી સાભાર )

થઈ ગઈ

ની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો
ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ

કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો
બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ

ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ

– અદમ ટંકારવી