એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

– કૈલાસ પંડિત

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?
સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.
પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?
એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.

– મેહુલ

પાંપણે ઊભો રહી જોયા કરું

પાંપણે ઊભો રહી જોયા કરું,
સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.

લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો,
હું ગઝલ દ્વારા પછી ધોયા કરું.

ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં,
સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું.

ત્યાં તમે ‘જોશી’ રહેજો સાબદા,
જાત સાથે ખુદને જ્યાં તોલ્યા કરું.

– હેમાંગ જોશી

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

– શૂન્ય પાલનપુરી

તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

– આદિલ મન્સૂરી

તારો જ રથ હતો અને આ આંગળી હતી

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે
લોકો મળે નહીં અને બસ આબરૂ મળે
ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર
ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે

હું તું – હતા ને સામે તો સેના ઊભી હતી
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
તારો જ રથ હતો અને આ આંગળી હતી

– રઈશ મણિયાર