ચાલ્યા જશું

 મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં ઘર બાંધશું, થોડું રમી, ચાલ્યા જશું.

દૂર થાશે ઝાંઝવાનુ ખોખલું દરિયાપણું,
આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું.

યાદના સૂરજ અચાનક માર્ગમાં ઊગી જશે,
બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું.

આ તે કેવો શાપ છે એકલપણાના ભારનો,
શ્વાસને સૌ આપના ચરણે ધરી ચાલ્યા જશું.

ધૂમ્ર થઇ જાતે કરો પૂણાર્હુતિ આ યજ્ઞની,
‘ઇન્દ્ર’ છેવટ એકલાં વાદળ ભણી ચાલ્યા જશું.

– હિતેન્દ્ર કારિયા (divya bhaskar)

કોને ખબર

હોઠોથી હસી નાખ્યું પણ દિલ રડે છે કોને ખબર,
સૂકા રણની ભીતર આદિલ આસું ન્હાય છે કોને ખબર.

લાજનો ભાવ હતો એથી થોડા શરમાઇ ગયા,
સામે જોઇ ઝૂકી ગ્યા, આંખડી નમ છે કોને ખબર.

વિસાત શું એમની હતી મારા દિલને સ્પર્શવાની,
હું પણ થોડો બદલાયેલો હતો કોને ખબર.

દરિયાના મોજાં જેમ ઉછળતી રહેતી વેદનાઓ,
હરરોજ અહીં ભરતી રહે છે કોને ખબર.

જીવવાનું શૂન્ય બની ગયું છે
‘રાજવી’ એમના વિના, શ્વાસ પણ કેટલા ઉધાર ચાલે છે
કોને ખબર.

– પ્રવીણ ખાંટ (divya bhaskar)

 

સાયબર સફરે

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.

વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી
ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી
કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી
વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી.

“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી
લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી
વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી
મિડીયા પ્લેયરે ગુંજાયે “હરે કૃષ્ણા” મંત્ર માધુરી.

કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી
વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી
હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી
હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!

– ગુમનામ લેખક

એ ખબર નથી!

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર
ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની
કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક
લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ
મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્તા પહેલા
જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ
ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં
આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત
જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી,
એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો
ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની
મોટી ખુશીઓ છીનવી લઉ છું

અનુભવતા આવડે છે કે નહી, એ
ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે
પોતાની તરફ ઇશારો કરી લઉ…………………

– ગુમનામ કવિ

ખબર નથી

કસ્ટી ના કાંધા ક્યા લઇ જશે ખબર નથી,
તુ અવી ક્યા ચાલી ગઇ ખબર નથી.
મળ્યો હુ તને ક્યારે એ ખબર નથી,
પડ્યો હુ ક્યારે પ્રેમ માં એ ખબર નથી.
ન તો જણ તો હુ કશુ તારા વિશે;
વાત ક્યારે થઇ ખબર નથી.
ચોટ તો વગી ત્યારે સભાન થયો,
લોહી નીકળી ને વહિ ગયુ ક્યારે ખબર નથી.
કોણ જાણે કેમ હુ તને ભુલ તો નથી
ને તુ ચાલી ગઇ ક્યારે એ ખબર નથી.
શુ થઇ રહ્યુ છે આ બધુ “મન્”
પડઘા સમ્યા ક્યારે એ પણ તને ખબર નથી.

–કોઇ ની યાદ માં (ગુમનામ કવિ)

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

-કૈલાસ પંડિત

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી

– બેફામ

નીકળે કેટલા !

શબ્દ ઘૂંટયા બાદ નવલા અર્થ નીકળે કેટલા ?
અમથું ઊગે મૌન ત્યારે મર્મ નીકળે કેટલા !

દોસ્ત! સંબંધોનું ખોલી નાખ એકેએક પડ
લાગણીના જો પછી સંદર્ભ નીકળે કેટલા !

વીજ પડશે કે પછી વરસાદ પણ વરસી પડે
જોઈને એકાદ વાદળ, તર્ક નીકળે કેટલા !

બાણ વાગે તે પછી શાયદ અલગ પાડી શકો
કેટલા છે સાધુ ને કંદર્પ નીકળે કેટલા !

દોસ્ત કે’ કયાંથી ઉતરડીશું ત્વચાને આપણે?
કાંચળી ફેંકી સહજ આ સર્પ નીકળે કેટલા !

લિપિ ઉકેલાશે નહીં, તો પણ તપાસી જો જરા
ફૂલ પરથી ઓસભીના સ્પર્શ નીકળે કેટલા !

-છાયા ત્રિવેદી (divya Bhaskar)

સમાવી નહીં શકે

પથ્થરની વરચે ઝાડને વાવી નહીં શકે, ઝરણાને પાછું પર્વતે લાવી નહીં શકે.

માણસ તું એટલો બૂરો અપરાધ ન કર, કે ઇશ્વરે સજાથી બચાવી નહીં શકે.

અંધારી રાતે ઝાડ કૂંપળને કહ્યા કરે છે,

તડકાનું વાળુ કોઇ કરાવી નહીં શકે.

ચાતકને ચાર ટીપાં તરસ માટે કાફી છે,

વરસાદી જળ ચાંચ સમાવી નહીં શકે.

બારીની આસપાસનાં દૃશ્યો હટી શકે, આકાશથી સૂરજને હટાવી નહીં શકે.

અખબારમાં ઘણાયની તસવીર હોય છે,

પણ ઓળખાણ તારી કરાવી નહીં શકે.

– નીલેશ પટેલ (divya Bhaskar)