નમું તને, પથ્થરને?

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;

મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.

તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

– સુંદરમ્

એક સવારે આવી

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,

પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?

-સુન્દરમ્

હું ચાહું છું

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુન્દરમ

બેન બેઠી ગોખમાં

બેન       બેઠી    ગોખમાં,
ચાંદો     આવ્યો   ચૉકમાં.

બેની    લાવી   પાથરણું,
ચાંદો   લાવ્યો   ચાંદરણું.

પાથરણા  પર   ચાંદરણું,
ને ચાંદરણાં પર   પારણું.

ચાંદો      બેઠો    પારણે,
બેની      બેઠી    બારણે.

બેને      ગાયા    હાલા,
ચાંદાને  લાગ્યા  વ્હાલા.

બેનનો  હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.

– સુન્દરમ્

મળ્યાં વિરહના અનેક કપરાં દિનો

મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.

-સુન્દરમ્