પત્નીને ખુશ શી રીતે રાખશો ? – શિશિર રામાવત

[‘અભિયાન’ સામાયિકમાંથી સાભાર.]

[1] તુમ સુંદર હો !

ઐશ્વર્યા રાય ? એ વળી કોણ ? પતિદેવો, તમારા માટે સમગ્ર બ્રહ્માંડમાં આ એક જ સ્ત્રી સુંદર છે – તમારી પત્ની. થર્ડ ફ્લોર પર રહેતી મિસિસ પારેખને જોઈને ભલે તમારી આંખો ચાર થઈ જાય પરંતુ દિવસે દિવસે જાડી થતી જતી પત્ની સામે તેનો કોઈ જ કલાસ નથી. આ ‘સત્ય’ પત્નીના ગળે જડબેસલાક ઉતારી દો. તક મળે ત્યારે પત્નીનાં સૌંદર્યના વખાણ કરવાનું ચૂકવાનું નહીં. તક ન મળે તો ધરાર ઊભી કરવી. ‘આહા, તું આ ડ્રેસમાં કેટલી સુપર્બ દેખાય છે ! ક્યારે સીવડાવ્યો ?’, ‘સ્વીટહાર્ટ, તું વાળ છૂટા રાખે કે બાંધે, તું બ્યુટીફૂલ જ લાગવાની છે.’, ‘હની, હું ગમે એટલાં મોંઘા કપડાં કેમ ન પહેરું, આપણે બન્ને સાથે નીકળીશું તો લોકો મને તારો ડ્રાઈવર જ માનવાના છે.’, ‘કોણ કહે છે કે તું ફૂલીને ઢમઢોલ થઈ ગઈ છે ? વજન વધ્યા પછી તો તું ઊલટાની વધારે ક્યુટ લાગે છે.’ આવું બધું બોલતી વખતે તમારા અવાજમાં અને ચહેરા પર બને એટલું કન્વિકશન યા તો સચ્ચાઈ લાવવાનો પ્રયાસ કરો. કન્વિકશન ન આવે તોય કશો વાંધો નથી. તમે જાણો છો કે તમે ફેંકી રહ્યા છો, પત્ની પણ જાણે છે કે તમે ફેંકી રહ્યા છો, પણ તોય આ ડિંડક ચાલુ રાખો. ખોટાં તો ખોટાં, સ્ત્રીમાત્રને પોતાના રૂપનાં વખાણ સાંભળવાં ગમવાનાં જ.

[2] સુન સાયબા સુન

તમે બીજા કશા વિશેષ પ્રયત્નો નહીં કરો અને માત્ર શ્રવણશક્તિનો ગુણ કેળવી લેશો તો અડધો જંગ તો આપોઆપ જિતાઈ જશે. સ્ત્રીને સતત થતું રહે છે કે મારો હસબન્ડ મારા દિલની વાતો સાંભળે, મારી લાગણીઓ શૅર કરે. પત્નીના દિલની વાતો ભયાનક/કંટાળાજનક/ત્રાસદાયક/ક્રોધ જન્માવે એવી/અકળાવી દે એવી હોઈ શકે છે, પણ તમારે જોરદાર સ્ટેમિના, પ્રચંડ ધીરજ અને ઉચ્ચ કક્ષાની સહનશક્તિ કેળવવાં પડશે. સાત વર્ષની ઉંમરે ગાલપચોળિયું થઈ ગયું હતું ત્યારે પોતે કેવી ધમાલ મચાવી મૂકી હતી એની વાત પત્ની હસી હસીને કરતી હોય ત્યારે તમારેય જોડે હસવાનું. તેના કાકાની દીકરીની જેઠની ભાભીની ત્રીજા નંબરની બહેનની બહેનપણી પાડોશના છોકરા સાથે કેવી રીતે ભાગી ગઈ એની વાત પત્ની કરે ત્યારે તમારે ચહેરા પર દિલધડક થ્રિલર નવલકથાનું ચેપ્ટર વાંચી રહ્યા હો એવા ભાવ લાવવાના. ટૂંકમાં, પત્ની દિલની વાતો ‘શૅર’ કરે એ સાંભળવાનું, હોકારો દેતાં રહેવાનું, બગાસાં દબાવવાનાં અને વચ્ચે વચ્ચે ટાપસી પૂરતાં જવાનું.

[3] કૂથલી કરવાની કળા

તમે પત્ની સમક્ષ બીજી સ્ત્રીઓની બુરાઈ કરો તો એના જેવો સદગુણ બીજો એકેય નહીં. પત્નીને ખાતરી કરાવી દો કે તમારાં સગાંસંબંધીઓ, મિત્રવર્તુળ, પાડોશ અને પરિચિતોમાં રહેલી એક પણ મહિલામાં કશી ભલીવાર નથી. ‘મોટાં ભાભીને રસોઈ સારી બનાવતાં આવડે છે એટલું જ ને ? તારી જેમ દસ અજાણ્યા માણસોને કોન્ફિડન્સથી હેન્ડલ કરવાની તાકાત છે તેમનામાં ?’ મિત્રની પત્નીઓની તો અચૂક બુરાઈ કરવાની. ‘ભાવિન ક્યાં ફસાઈ ગયો રૂપાલીમાં ?’, ‘કેતનની વાઈફમાં ડ્રેસ-સેન્સ ક્યારે આવશે ?’ પતિના મોઢે પરાયી સ્ત્રીની બુરાઈ સાંભળવાથી સ્ત્રી જેટલી પુલકિત થાય છે એટલી બીજી કોઈ ચીજથી નથી થતી ! યાદ રાખો, સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર બે જ સ્ત્રીઓ સર્વગુણસંપન્ન છે. એક તમારી પત્ની, બીજી તેની મમ્મી.

[4] શોપિંગ શોપિંગ

ભલે તમે ‘મારી પેલી મરુન સાડી સાથે આ લિપસ્ટિક જામશે ?’ જેવા ભયાનક સવાલોથી કાંપી ઊઠતા હો, ભલે તમને મસ્કરા અને મોઈશ્ચરાઈઝર વચ્ચે એકઝેટલી શું ફર્ક છે તેની ગતાગમ પડતી ન હોય, પણ પત્નીની શોપિંગ કરવાની લાલસા પ્રજવલિત થાય ત્યારે (એટલે કે દર દસમા દિવસે) તેની સાથે જરૂર જવાનું. એ માટે તમારે ભારત-પાકિસ્તાનની દિલધડક વન-ડે મિસ કરવી પડે તો શું થયું ?

[5] રાંધતા શીખો

તમારી સમજદાર મમ્મીએ તમને દાળ-ભાત-શાક-રોટલી-ખીચડી બનાવતાં તો લગ્ન પહેલાં જ શીખવી દીધું હતું, પણ હે પતિપરમેશ્વરો, તમે હજુ પણ બે ત્રણ સારી કોન્ટિનેટલ ડિશ બનાવતાં શીખ્યા નથી ? ‘મારો હસબન્ડ બહુ ફાઈન પાસ્તા બનાવે છે. તું નેક્સ્ટ ટાઈમ ક્યારે ઘરે આવે છે ? હું કહીશ એને પાસ્તા બનાવવાનું. બટ આઈ મસ્ટ ગિવ હિમ અ ડે’ઝ નોટિસ, યુ નો…’ પત્ની એની બહેનપણીઓને આટલું કહી શકે એવો લહાવો સુદ્ધાં તમે તેને ન આપો ? નોટ ફેર. થોડા દિવસો પછી તમે તમારા ફ્રેન્ડઝ સાથે ગોવા જવાનું પ્લાનિંગ કર્યું હતું. એ ટ્રિપ કેન્સલ કરી નાખો અને કોઈ સારા કૂકિંગ કલાસમાં ક્રેશ કોર્સ કરી લો. જલદી !

[6] આંસુ ભર આએ

પત્નીને રડતી જોઈને ઘાંઘા ન બની જાઓ. અપરાધપણાની લાગણીથી ગ્રસ્ત થઈને ખુદના વર્તનવ્યવહારમાંથી ભૂલો શોધ-શોધ નહીં કરવાની. (‘ડાર્લિંગ, મેં તને કશું કહ્યું ? મને તો યાદ પણ નથી. આજે શાક થોડું બળી ગયું છે એવી ટકોર કરી એટલે ? સોરી યાર…’) પરિવારના સભ્યો તરફ પણ નિશાન તાકો. (‘મમ્મી થોડી ગુસ્સાવાળી છે એ તું જાણે છે ને ?’ મોટા ભાઈ કશું બોલ્યાં ?’) પત્નીના પરિવારને પણ વચ્ચે ન લાવો. (‘મમ્મી બહુ યાદ આવે છે ? પિયર આંટો મારી આવવો છે ? શનિ-રવિનું રિઝર્વેશન કરાવી લઉં ?’) ચૂપ ! તમે પત્નીને નિરાંતે રડવા પણ ન દો ? પત્નીઓને રડવા માટે કારણની જરૂર હોતી નથી. ક્યારેક તેને એમ જ રડવાની અદમ્ય ઈચ્છા થઈ આવતી હોય છે. મોટે મોટેથી પેટ ભરીને રડી લે એટલે તે હળવીફૂલ થઈ જશે અને બાથરૂમમાં મોં સાફ કરીને સ્મિત કરતી કરતી બહાર આવશે. પત્નીના મૂડમાં આવેલો અચાનક તાનપલટો જોઈને કન્ફયુઝ નહીં થવાનું અને ફરી પાછું ‘શું થયું હતું ? શું થયું હતું ?’ પૂછીને પ્રશ્નોનો મારો નહીં ચલાવવાનો. તમે તેની પાસે અકારણ પૂછપૂછ કરતા નથી એ વાત પત્નીને સંતોષ આપશે.

[7] ભેટ આપો :

જિદ્દી હોવું અને મનનું ધાર્યું કરવા ઉપરાંત બાળકો અને પત્નીઓમાં આ એક વાત કોમન છે – બન્નેને ગિફ્ટ (સ્વીકારવી) ખૂબ પસંદ છે. ‘આજે હું તારા માટે કશુંક લાવ્યો છું.’ એમ કહીને, જોરદાર ઉત્કંઠા પેદા કરીને તમે દર વખતે તેને ટ્રાફિક સિગ્નલ પાસેથી ખરીદેલાં ગુલાબ પકડાવી દો તે ન ચાલે. તમને ખબર હોવી જોઈએ પત્નીના મેકઅપ બોક્સમાં કયા શેડની લિપ્સ્ટીક ખલાસ થવાની તૈયારીમાં છે. તમને એય યાદ હોવું જોઈએ તમે છેલ્લા છ મહિનામાં તેને એકેય ઘરેણું નથી અપાવ્યું. વળી, આ બધી ગિફ્ટ પત્નીને પ્રસન્ન કરશે. અતિપ્રસન્ન નહીં. પત્નીને અતિપ્રસન્ન કરવા માટે તેના માટે અલાયદી નવી કાર જોઈશે અથવા તો મોરિશિયસની સરપ્રાઈઝ ટુર.

[8] બાબુલ કી ગલી

પત્ની પિયર ગઈ હોય એટલે તમે જોરદાર મૂડમાં હશો અને જલસા કરતા હશો એ બિલકુલ સમજી શકાય એવું છે, પણ પત્નીનો ફોન આવે ત્યારે તમારા અવાજમાં ખુશાલી ભૂલેચૂકેય રણકવી ન જોઈએ. ‘યુ નો સ્વીટહાર્ટ, ગઈ કાલથી હું સરખું જમ્યો જ નથી. આજે દિવસે તો કોફી અને સેન્ડવિચથી ચલાવ્યું અને અત્યારે પીઝા ઓર્ડર કર્યા છે… તું ન હો ત્યારે મારી હાલત ખરાબ થઈ જાય છે, સચ્ચી.’ પત્નીને દઢપણે લાગવું જોઈએ કે તેના વગર તમે દુ:ખી દુ:ખી છો. તેને ફીલ થવું જોઈએ કે તેના વગર તમે સાનભાન ભૂલી જાઓ છો અને તમારું જીવન શઢ વગરનાં વહાણની જેમ ખોરંભે ચડી જાય છે. અલબત્ત, તારા વગર ગમતું નથી એવું કહેતી વખતે અને ખુદની ‘દેવદાસ’ જેવી હાલતનું વર્ણન કરતી વખતે સભાન રહેવું આવશ્યક છે. એવું ન બનવું જોઈએ કે તમારી દુ:ખભરી દાસ્તાન સાંભળીને પત્ની રજાઓ ટૂંકાવીને પિયરથી વહેલી પાછી આવી જાય. પતિના જીવનમાં પોતાની અનિવાર્યતા – આ એક એવી લાગણી છે જે જેટલી વધુ ઘૂંટાશે એટલી પત્ની વધારે આનંદિત રહેશે.

[9] નિર્ણય લેવા દો

‘મારા ઘરમાં મારું રાજ ચાલે છે.’ – કોઈ પણ પત્નીના અહંમના સંતોષ માટે આના કરતાં ચડિયાતી હકીકત બીજી કોઈ ન હોઈ શકે. પત્નીને આવા ભ્રમમાં જીવવા દો. તમારામાં એવી આવડત હોવી જોઈએ કે આખરે તો બધું તમે ઈચ્છતા હો એ જ થાય અને છતાંય પત્નીને લાગતું રહે કે ઘરના બધા મહત્વના નિર્ણયો તે જ લે છે. આ કૌશલ્ય કેળવવું, અફકોર્સ મુશ્કેલ છે, પણ નામુમકિન નહીં. કોઈ પણ બાબતનો નિર્ણય લઈને અને એનો સીધો જ અમલ કરીને પત્નીને આઘાત આપવાની ભૂલ કરી તો ગયા કામથી.

[10] સારા પિતા બનો

માત્ર પુરુષ હોવું પૂરતું નથી, તમારે સંપૂર્ણ પુરુષ બનવું પડશે. કમ્પ્લીટ મેન શી રીતે બનશો ? તમારા ટેણિયાના બાળોતિયાં બદલીને, સિમ્પલ. પત્ની માતૃત્વ ધારણ કરશે એટલે તે તમારામાં પિતૃત્વ ઓટોમેટિકલી છલક છલક થવા માંડે એવી અપેક્ષા રાખશે. તમારો બાબો કે બેબી સૂ-સૂ કે છી-છી કરે તો મોઢું બગાડ્યા વગર સફાઈ કરી નાખવાની. સંતાન મોટું થાય અને ઉધામા મચાવે તો પત્નીની હાજરીમાં તેને ધીબેડવાનું નહીં. આ કામ પત્નીની ગેરહાજરીમાં ક્યાં થઈ શકતું નથી. તમારો આઈક્યૂ જ નહીં ઈક્યૂ (ઈમોશનલ કવોશન્ટ) પણ ઠીક ઠીક સારો છે એવું પત્નીને તો જ લાગશે જો તમે સારા પિતા બનશો. માયાળુ પિતા બનશો એટલે તમારી ‘સોફટ સાઈડ’ આપોઆપ બહાર આવશે અને પત્નીને ખાતરી થશે : ‘ના, ના, આ માણસ હું ધારું છું એટલો ખડૂસ નથી.’

બેસ્ટ ઑફ લક !

– શિશિર રામાવત

ગુજરાતી ગઝલ અંતાક્ષરી

આ શેર અંતાક્ષરીનાં સર્જક પ્રો. સુમન અજમેરીનો પણ મુદ્રણ પરવાનગીઆપવા બદલ આભાર
આ શેર અંતાક્ષરી ટાઈપ કરી અત્રે રજુ કરવા બદલ દેવીકાબેન ધ્રુવ નો આભાર.

————————————————————————

ઢમ ઢમ બાજે ઢોલ નગારાં, યારો રમવા આવો;
શેર,ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો..        ( પ્રો.સુમન અજમેરી  )

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.                  ( આદિલ મનસુરી )

લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની,
સાગરો સુકાઇ જઇને રણ બિચારા થઇ ગયાં..           ( બેફામ )

યા પ્યારથી એને પંપાળો, યા ક્રુર થઇને ધૂત્કારો,
આ લોકે રહે કે પરલોકે,સાગર તો તમારો કહેવાશે.     ( સાગર કુતિયાનવી )

શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ આ ગુજરાતની.           (શૂન્ય પાલનપુરી )

ન ધરા સુધી ન ગગન સુધી ,નહીં ઉન્નતિ ન પતન સુધી,
પણ આપણે તો જવું હતું,બસ એકમેકના મન સુધી.    ( ગની દહીંવાલા )

ધરમનું નામ દઇ શાને પીવાડો પ્રેમની પડીકી ?
જશે રહેંસાઇ માસુમો,નરાધમ હિંસ્રની ધરતી.             ( પ્રો.સુમન અજમેરી )

તને કોણે કીધું કે હું રંક છું,નથી રંક રાયનો રાય છું.
મને તોળ સત્યને છાબડે કે હું સત્યલોકનો ન્યાય છું.   ( અમૃત ઘાયલ )

છૂટી લટ ,ગુલાબી ચહેરો,આંખમાં શરમ,
પ્રિયે,છબીમાં યે તું કેવી શરમાયા કરે ?                    ( નઝીર શાયર )

રસમ અહીંની જુદી,નિયમ સાવ જુદા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.                           ( મનોજ ખંડેરિયા )

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.                     ( મરીઝ )

છે ભીડ અહીં એકલતાની ને શહેર છે આ સન્નાટાનું,
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઇને દોડું છું.      ( પ્રફુલ્લા વોરા )

છે આબરુનો પ્રશ્ન,ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઇ કે આંખો સજલ હતી..                  (  અમૃત ઘાયલ  )

તું ઢાળ ઢોળિયો ને હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.                    ( મનોજ ખંડેરિયા )

ન ધર્મભેદ છે એમાં, ન એની જાત મરીઝ,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ ?  ( મરીઝ )

લઇને હવે સાતેય અશ્વોને પલાણો આપણે
કે નપુંસક નીકળ્યો છે,શ્વાસ નામે સારથી.               (હરીશ ધોળી )

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી,
ઇર્શાદ આપણે તો ઇશ્વરના નામે વાણી.                  ( ડો.ચીનુ મોદી )

નવાઇ તો છે કે ઉંડાણો ય છીછરા નીકળે,
કોઇ મનુષ્યની અંદર ડૂબી શકાતું નથી.                 ( રમેશ પારેખ )

થાકીને સાંજને ટાણે ‘રસિક’ બેસવું પડ્યું,
નહીંતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા.            ( રસિક મેઘાણી )

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજું કેટલો યે દૂર છું.                        (  કિસ્મત કુરેશી )

છે હ્ર્દય ને આંખની ભાષા અલગ,
કોણ કોની આપશે ઓળખ હવે.                              ( અહમદ ગુલ )

વેશ બદલી રોજ તું આવે રઇશ એની સમીપ,
જિંદગી ચાલાક છે,હરદમ પિછાણી જાય છે.           (  ડો.રઇશ મણિયાર )

છે દિશાઓ ધુંધળી ને મંઝિલો નથી,
શ્વાસના બળતા ધખારે ક્યાં લગી જાશું ?              (  આહમદ મકરાણી )

શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ.                     ( ગની દહીંવાલા )

ઇશ્વરની મૂઠ્ઠીમાંથી જે છટકી ગઇ કદી,
તે તો માણસ નામની જણસ હતી.                      ( ભગવતીકુમાર શર્મા )

તું મને એક ઝાંઝવું સમજે કે સમજે વાદળું,
આંગણે તારે વરસવા આ જનમ લીધો હતો.         ( ડો.અશરફ ડબ્બાવાલા )

તોય હું ભરવા મથું આખી નદી,
જીંદગી છે સાવ કાણી બાલદી.                           ( અશોકપુરી ગોસ્વામી )

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ,
બીજે ક્યાં જાય,નર્ક ભણી આદમી ગયાં.               ( મરીઝ )

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું,ઓગળી જઇશ.            ( હરીન્દ્ર દવે )

શમાની વાત કરશો ના, દીવાની લૌને રોકે ફો’ ?
ભરી પરવાનને પાંખે જલીને રાખ થાવું છે.           ( પ્રો. સુમન અજમેરી )

છે હરણની ફાળ જેવા ઓરતા,
ને અરણમાં કચબો પાળ્યો તમે.                          ( કરસનદાસ લુહાર )

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસથી તો હજે કળ વળી નથી.             ( જલન માતરી )

થાકી ગયો તો હું કે ચાલી શકત ન હું,
સારુ થયું કે લોક તો ઉંચકી ગયા મને.                ( કૈલાસ પંડિત )

નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને,
કહો પાષાણ દિલને કોઇની ક્યારે નજર લાગી?     ( વિશ્વરથ )

ગળેથી જરા ઉતરી કે તોફાની થઇ ગઇ,
હતી જામમાં સાવ સાદી મદિરા !                       ( મરીઝ )

રંગબેરંગી જીવનના રંગ છે,
જાઉં છું  ખીલવા ને ખરતો જાઉં છું.                      ( અમૃત ઘાયલ )

છાંય મળતી જાય પડછાયા વગર,
ગીતમાં સરતો રહું ગાયા વગર.                      (  મનોજ ખંડેરિયા )

રોજ એના એજ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું,શું ચીજ છે ?  ( રમેશ પારેખ )

છેક પરપોટા સમી છે જીંદગી પણ,
નિત ઝરણાંની ગતિ છલછલ છલકવું.               ( ગુણવંત ઉપાધ્યાય )

વિરાટ પંથમાં થાકી વિરામ કરવા પણ,
પરાઇ ભીંતના છાંયે કદી નથી બેઠા.                 ( રસિક મેઘાણી )

ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ.                         ( ડો. ચિનુ મોદી )

એ જ મુસાફિર જગમાં સાચો જેની પાછળ મંઝિલ ભટકે,
દીપ પતંગને કોઇ ન રોકે,પ્રીત અમારી સૌને ખટકે.     ( આસિમ રાંદેરી )

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.               ( જલન માતરી )

થઇ જાય પાંચે આંગળીઓ તુર્ત કાગડો,
મુઠ્ઠી તમે એ શહેરમાં ખોલીને શું કરો ?                    ( રમેશ પારેખ )

રડ્યું નથી છતાં ઓછપે ઘવાયું છે,
સવારનું આભ આમ ઝંખવાયુ છે.                             ( ડો. હેમંત દેસાઇ )

છું સતત અચરજ સ્વયં અસ્તિત્વ પર,
તું તપાવે તોયે હું તું જ પર ઠરું.                              ( અગમ પાલનપુરી )

રમું છું રંગીન મોસમની સાથે,તો ક્યારેક સંગીન જોખમની સાથે,
સરળતાથી ચાલું છું મુશ્કેલ પંથે,મને એવી આ જીંદગાની ગમે છે. ( શેખાદમ આબુવાલા )

છો હતી દુ:ખના સંકજામાં અમારી જીંદગાની,
તોય કો’ દિ હામ ખોઇ,ન કો’ દિ’ હાર માની.              ( રિન્દ ગુજરાતી )

ન ગગન ફરેબ આપે, ન ધરા ફરેબ આપે,
જો હ્ર્દય ફરેબ આપે,તો બધા ફરેબ આપે.               ( અબ્દુલ રઝાક ‘રશ્ક’ )

પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે. (શૂન્ય પાલનપુરી )

છે ગજું કોનું કે સીમા-કદ કશું માપી શકે ?
ધરતીના પેટાળથી આભે ચઢી છે જીંદગી.             ( અંબાલાલ ડાયર )

ગુનામાં ભાર હોતે તો દબાઇ રે’તે તળિયામાં,
અભાગી લાશ છે,તરતી રહી દરિયાના સીના પર.   ( શવકીન જેતપુરી )

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને  મારી હાજરી ન્હોતી.    ( બેફામ )

તમારા આ નાજુક પગોની ફિકર છે,
અમારા નગરની છે પથરાળ સડકો.                       (દીપક બારડોલીકર )

કંકુ પગલે થઇ કસુંબલ કોરે આ કાળજાની કાંચળી સરકી પડી,
ઉગતું એકાંત મારું પાંપણે આપને જોયા પછી થથરી ગયુ      (બાબુ દિલજલા )

યૌવનના ઘોડાપુરમાં સમજાય ક્યાં કશું ?
ત્યારે તો રોમે રોમમાં ઉન્માદ હોય છે.               (આદિલ મનસુરી )

છે અકળ બધી એની હિલચાલો બધી,
મન સમું છે કોણ બીજું મુત્સદ્દી ?                       (અશોકપુરી ગોસ્વામી )

દર્દ ઘૂંટાયું જિગરમાં એટલું,ઠેઠ લગ એ ઝેર થઇ વકરી ગયું,
મોત પણ મારી દશાને જોઇએ શોકમાં ડૂબી મને વિસરી ગયું.  ( બાબુ દિલજલા )

યુગયુગથી પીએ સરિતા,સાગર તોયે પ્યાસો છે,
નહીંતર મેઘો ઉમટે ના કેકારવ છલકાયો છે.      (દીપક બારડોલીકર )

છે સલામત સ્વપ્ન કોનું વિશ્વમાં ?
ક્યાં સિકંદરની કશી છાયા મળે ?                   ( ચંદુ મહેસાનવી )

લાખ સૃષ્ટિની સુરાહી છલકાયા કરે,
જીંદગી પીનારની તળિયા વિનાનું જામ છે.    ( શૂન્ય પાલનપુરી )

છે હયાતી ચીજ એવી અજનબી,
ચીંથરામાં હોય જાણે કો’ નવાબ !                  ( આહમદ મકરાણી )

બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે. ( મનહર મોદી )

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ,
ને ઝાંઝરી રણકી ઉઠે તો પાયમાં ગઝલ.           ( યોસેફ મેકવાન )

લાગણીઓની સુલતાની પર રાજ કહો કોનું ચાલ્યું?
રચનારની એક કળી જીતી ગઇ ઝાંઝરના ઝણકારથી. ( ગોપાળ શાસ્ત્રી )

થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય,
ટહૂકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.                    ( સાહિલ )

છે કાળ તો કાલીય નાગ જેવો,
થતું ઝેર સૌ જે હવે એ અડે છે.                             ( ઉશનસ )

છું શાંત અને ગંભીર ભલે, શરમાળ છે મારાં તીર ભલે,
ઓ પૂનમ, ઘૂંઘટ જરા ખોલ, હું એ જ છલકતો સાગર છું. ( શેખાદમ આબુવાલા )

છોડી રહ્યો છું આજ હું આ બંધિયાર વિશ્વને,
કાયમના માટે કોણ રહે આ કારાવાસમાં ?             ( ઘાયલ કુતિયાનવી )

મત્સ્ય ક્યાં જળવટું લઇને જશે ?
કાંઠે રેતીના પારાવાર ઉભા.                                ( ડો. રશીદ મીર )

ભલે ભપકા ભરેલો છું,છતાં અંગાર વેચું છું,
તને નીચો નમાવે એ બધો આભાર વેચું છું.           ( મનહર મોદી )

છેક તળિયેથી ઉલેચાવું પડે,
શબ્દને સમજાવવો સહેલો નથી.                         ( નટવર વ્યાસ )

થઇ ગયો એક જ ચમત્કારે તું  ઇશ્વર,
મને માનવ થતાં બહું વાર લાગી.                       ( જિગર ટંકારવી )

ગુલાબી શીત પાલવને પ્રસારો તો ઘણું સારું,
ગરમ કિરણોને ગાળીને હજી હમણાં જ આવ્યો છું.  (  ડો. એસ. એસ. રાહી )

છતાં મુજ પૂર્ણતામાં ‘શૈલ’ ઓછી થાય છે કૈં પણ
સનાતન શૂન્યમાં અસ્તિત્વ મારું નિત્ય ખોઉં છું.   ( શૈલ પાલનપુરી )

છણા થાપું,નાણા થાપું,થાપું આંખે અંધારાં,
તોય તને ક્યાં પામું ?ભૂંડા આયખાને ડંગોળી લૌ.  ( પ્રો.સુમન અજમેરી )

લેશ પણ ભય ના સૂકાવાનો રહે,
માંયલો જેનો સમંદર સાત છે.                            ( ડો.ઉષા ઉપાધ્યાય )

છો હોય તે દૂર ગગન પર,ને હોય સર્વવ્યાપી,
અદભૂત સ્પર્શવાનું સૂરજ સમું તમારું.                 ( સંધ્યા ભટ્ટ )

રાત-દિ ઝૂલે વસંતી લ્હેર મધુવનમાં ભલે,
મ્હેંક મબલખ માણવાને શ્વાસ જેવું જોઇએ.          ( સુશીલ પાલનપુરી )

એ જ તું ને એ જ હું,એ જ ઓશીકે આજ તો સૂતાં ફેરવી મોંઢાં
તણખા ઝરે,બરડા અડે,અણજાણે ટકરાય દો લોઢાં.  ( જગદીશ વ્યાસ )

ઢબૂક્યાં ઢોલ ચોરે અમે ગુલમ્હોર પીધો.
ખુશીથી ખોબે ખોબે અમે ગુલમ્હોરે પીધો.             ( દીપક બારડોલીકર )
————————————————————————

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.