નથી રસ્તા સરળ કોઈ

નથી રસ્તા સરળ કોઈ,
કરે દિશાય છળ કોઈ !

સલામત ક્યાં છે જળ કોઈ ?
ટીપે ટીપે વમળ કોઈ !

જડે ક્યાં એનું તળ કોઈ ?
મળે માણસ અકળ કોઈ.

નજર એ કેમ આવે પણ ?
નજર આગળ પડળ કોઈ !

ઝીલો એકાદ પણ ‘સુધીર’,
ગઝલની ખાસ પળ કોઈ.

-સુધીર પટેલ

એક બે ત્રણ ચાર છોડી દે

એક બે ત્રણ ચાર છોડી દે,
ઊગતો અધંકાર છોડી દે.

તો જ નમણી નિરાંત નિરખશે,
તું તને બારોબાર છોડી દે.

આપમેળે જ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથો નકાર છોડી દે.

છેડછાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
શબ્દની સારવાર છોડી દે.

– નીતિન વડગામા

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.

બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
દીવાનગીને આજ હવે શાણપણ થયું.

ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,
મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું.

પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,
છાયાની સાથ તેજનું એકીકરણ થયું.

ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી,
અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.

– મનહર મોદી

છે વાર્તા – વફા

સાકી સુરા ને જામની છે વાર્તા.
બેકસ અને બદનામની છે વાર્તા.

લો સૂરજ ઉગતાઁ શરૂ આ થઇ ગઇ
દિન રાત ને સુબ્હ શામની છે વાર્તા

દીપક પતંગા નુ મિલન પણ જોઇ લો
મહોબ્બત ના અંજામની છે વાર્તા.

લયલા અને મજ્નુ શીરી ફરહાદ ની,
મહોબ્બત મા નાકામની છે વાર્તા.

ચાલો ‘વફા’હૈયા મહીઁ સંઘરી લો,
ભીઁજાયલી એક શામ ની છે વાર્તા.

– મોહમ્મદઅલી ભૈડુ,વફા

તઝ્મીન – વફા

હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.
બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.
તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે

મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.
અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.

– મોહમ્મદ અલી ભૈડુ’વફા’